એ જ ભણકારા રહે હરપળ

No Comments

 


 

 
એ જ ભણકારા રહે  હરપળ  કે તું આવી હશે
દૂર  સુધી  શહેર આ ઝળહળ કે તું આવી હશે

ઠેઠ પાતાળેથી પ્રગટ્યા જળ કે તું  આવી  હશે
સાવ નોખાં લાગતા હર સ્થળ કે તું આવી હશે

હા  હતી  સાબરમતી પણ  નામની  કેવળ નદી
બેઉ  કાંઠે  એય  છે  ખળખળ કે તું આવી હશે

શ્વાસ આંખો ઉંબરો આંગણ ને રસ્તાઓ બધા
રોજ  કરતા  છે  વધુ   વિહ્વળ કે તું આવી હશે

ક્યાં હવે  સજ્જડ કોઈ કારણ રહ્યું છે તે છતાં
ટેવવશ થઈ જાય  છે અટકળ કે તું આવી હશે

-રાજેશ વ્યાસ ” મિસ્કિન ”

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

સુણ સાજન એક ગીત સુણાવું

No Comments

 

 

સુણ સાજન એક ગીત સુણાવું
મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.
કાનનની કોયલના સૂરને મુજ કંઠે હું વસાવું,
મોર ટહૂકતો વન ઉપવનમાં મુજ કંઠે ટહૂકાવું,
રીમઝીમ સૂર વરસાવું….સુણ સાજન એક ગીત સુણાવું.

રીમઝીમ વર્ષાના વાદળમાં માદલને ગરજાવી,
મેઘધનુષના મેઘનાદથી સૂરમંડળ સરજાવી,
નૂપુરનાદ જગાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.
જંતર જીવનું દિનની ધડકન એવો બાજ બજાવું,
પ્રીતનો પાવો છોડી મારા રસિયાને પી જાવું!!
તનમન પ્યાસ બુઝાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.

-અવિનાશ વ્યાસ

સ્વર: મૃદુલા પરીખ

તું એક ગુલાબી સપનું છે

Comments Off on તું એક ગુલાબી સપનું છે

 

 

તું એક ગુલાબી સપનું છે,
હું એક મજાનીં નીંદર છું.

ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી,
મોતીના સ્વરૂપે છે જ્યોતિ

ઓ હંસ બનીને ઊડનારા,
હું તારું માનસરોવર છું.

-શેખાદમ આબુવાલા

સ્વર: વિનુભાઈ વ્યાસ
સ્વરાંકન : વિનુભાઈ વ્યાસ

હું તો પ્હેલા વરસાદથી ભીંજેલી હો રાજ,

Comments Off on હું તો પ્હેલા વરસાદથી ભીંજેલી હો રાજ,

 

 

હું તો પ્હેલા વરસાદથી ભીંજેલી હો રાજ,
મારે જાવું ક્યાં જાવું રે બોલ?

જોઉં તો ભાનસાન પાણી વિના ય
તૂટી પડતા વરસાદ સમાં લાગે
ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ રાજ,
મારો સહવાસ મને વાગે

ચોમાસું બેસવાને આડા બે ચાર માસ
તોય પડે ધોધમાર હેલી….

હો રાજ,  મારે જાવું ક્યાં જાવું રે બોલ?
હું રે ઉનાળાની સાંકડી નદી ને
તમે મારામાં આવેલું પૂર
ઝાડથી વછોઈ કોઈ ડાળખીને જાણે કે
પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર

ભીનોચટ્ટાક સાદ પાડે રે મોર પછી
ખોલું કે બંધ કરું ડેલી?

હો રાજ,  મારે જાવું ક્યાં જાવું રે બોલ?‘

-રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટીઆ

ગિરીધર ગુનો અમારો માફ

Comments Off on ગિરીધર ગુનો અમારો માફ

 

 

ગિરીધર ગુનો અમારો માફ
તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ
માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ
સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ
ગિરધર ગુનો અમારો માફ

મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણું
વાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણું
પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ?
ગિરધર ગુનો અમારો માફ

– રમેશ પારેખ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ

Older Entries

@Amit Trivedi