વારી.. વારી.. જઈશું ! ધલવલાટ ધરશું ‘ને વારી.. વારી.. જઈશું !
જાતથી ઝઘડશું ”ને વારી.. વારી.. જઈશું !
ભેળાં ભેળાં રમશું ‘ને વારી.. વારી.. જઈશું !
નથણી જેમ જડશું ‘ને વારી.. વારી.. જઈશું !
ઓળઘોળ કરશું ‘ને વારી.. વારી.. જઈશું !
આંખથી ઊભરશું ‘ને વારી.. વારી.. જઈશું !
વેણે-વેણે ઠરવાં, સુગંધ જેવું તરવાં !
ઝીણું-ઝીણું જરશું ‘ને વારી.. વારી.. જઈશું !
તંત-તંત જેનાથી છે સભર, સમર્પિત- વારી-વારી વરશું ‘
ને વારી.. વારી.. જઈશું !
સ્પર્શ ઉપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં રંગ થઈ ઊઘડશું ‘ને વારી.. વારી.. જઈશું !
મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના મનસૂબાઓ ઘડશું ‘
ને વારી.. વારી.. જઈશું !
શ્રી ! તમારી સાથે સ્વનામ સાંકળી લઈ હક કરી હરખશું ‘ને વારી.. વારી.. જઈશું !
પળ–પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ નિત નવા ઉજવશું ‘ને વારી.. વારી.. જઈશું !
 
– સંજુ વાળા
 
સ્વર : નિધી ધોળકીયા અને પ્રહર વોરા
સ્વરાંકન : ડો. ભરત પટેલ