અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ! ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !
રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક ! બધાં જડ્યાં પણ એક ખૂટે છે, રુએ રાધિકા છલ્લક છલ્લક !

લીધું હોય તો આલને કાના ! મોતી મારું ચલ્લક ચલ્લક ! તારાં ચરિતર છે ક્યાં છાનાં ? જાણે આખો મલ્લક મલ્લક !
કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજનવલ્લભ, કદંબછાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રહ્યો છે અલ્લક દલ્લક! સૂર વણાયે ધીરે ધીરે !
ઉર તણાયે પલ્લક પલ્લક !

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક: રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
 
-બાલમુકુંદ દવે
 

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન: અનંત વ્યાસ