મૌન શું છે? બોલવાની વાત છે,
ભેદ સઘળા ખોલવાની વાત છે.

ત્રાજવાં તારા નહીં તોલી શકે,
બોલ મારા તોલવાની વાત છે.

સાંભળે ના કેમ સર્પો કાન દઈ,
મોરલી પર ડોલવાની વાત છે.

જાત મારી રોજ પૂછે છે મને,
આ બધી કોના થવાની વાત છે.

દર્દની તેં કાલ પણ ના સાંભળી,
આજ તો સાંભળ દવાની વાત છે.

કેમ ના મ્હેકી ઊઠે આખી સભા!
બાગથી વાતી હવાની વાત છે.

“રાજ” આ જૂની કથાઓ યાદની,
ઘાવને કરકોલવાની વાત છે.
 
-રાજ લખતરવી
 

સ્વરઃ મકબુલ વાલેરા
સ્વરાંકન : મકબુલ વાલેરા