હૈયું ઠાલવવું છે મારે!
અવળું રે આ આભ-શકોરું,
સવળું થાશે ક્યારે ?
હૈયું ઠાલવવું છે મારે !

આ દુનિયા કે તે દુનિયામાં,
વ્યોમ, ધરા, સૂરજ-ચંદામાં,
જ્યારે, જ્યાં, જે કોઈ સમય પર,
તારે એક ઇશારે,
હૈયું ઠાલવવું છે મારે!

કેમ ફરે છે તું સંતાતો !
કરવી છે મારે બે વાતો.
છોડી જગના ઝંઝાવાતો,
કોઈ નિર્જન આરે,
હૈયું ઠાલવવું છે મારે!

નીકળ્યો છું સંકલ્પ કરીને,
એક મિલનની આશ ધરીને,
યત્ન છતાં યે તું ન મળે તો
આવી તારે દ્વારે,
હૈયું ઠાલવવું છે મારે!

મુજ અશ્રુ એ માઝા મેલી,
સાગર લે પાલવ સંકેલી,
તારા વડવાનલ ને લઇ ને
દૂર કશે તું જ રે..
હૈયું ઠાલવવું છે મારે!
 
-ગની દહીંવાલા
 
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય