ક્યાં જશું? રસ્તો નથી…
સાથ શું પૂરતો નથી?

ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.

જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.

ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.

ચાલ ડર, ફેંકી દઉં… લાવ, કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…

જ્યાં જશું રસ્તો થશે…
ક્યાં જશું? રસ્તો નથી…
જ્યાં જશું રસ્તો થશે…
 
–રિષભ મહેતા
 
સ્વર: રિષભ મહેતા,ગાયત્રી ભટ્ટ
સ્વરાંકન:રિષભ મહેતા
સંગીત: રિષભ મહેતા