Click the link below to download

Gagano Na Ghummat Bandhya.MP3

 

ગગનોના ઘુમ્મટ બાંધ્યા ,પાથરણે પૃથ્વી માંડી ,
શૂન્ય શિખરનાં સિંહાસને હો જી –
ઝળહળતી જ્યોતે બેઠા ! ટૂંકી છે નજરો મારી ;
તલસું હું જોવા ઉજાસને હો જી
સાયરના નીર રાજા ! ચરણો પખાળે તારાં ;
મેઘના અભિષેક માથે વરસે હો જી ;

ખોબામાં પાણી ધરી પામર હું ઉભો રાજા !
ચરણે એ પાણી કેમ સ્પર્શે હો જી
સૂરજ ને ચાંદા કેરા દીવા અખંડ જ્યોત ,
નવલખ તારાની દીપમાળ રે હો જી ,
ઘરના તે ગોખે હું તો દીવો પ્રગટાવી બેઠો,
આરતીનાં આળપંપાળ રે હો જી !

વનનાં વન ખીલ્યાં ફૂલ્યાં ચંદન મળિયાગરાં હો,
વિશ્વંભર અભરે ભરિયા હો જી
તુલસીને પાને હું તો રીઝવવા રાંક બેઠો !
રેલાવો રાજા રહેમ દરિયા હો જી
કણકણને કાંકરે ને પળપળને ચોકઠે
બાંધી મહેલાતો, નાથ! ન્યારી હો જી !

જુગજુગની જાતરામાં ઝાંખી ઝગમગતી થાવા
ઉઘાડી રાખો એક બારી હો જી
એક મુઠ્ઠીમાં રામ અમૃત ભરિયાંને
બીજીમાં કાળ કરાળ રે હો જી
બંને છે દોર તારા, ફાવે તે ફેંક વ્હાલા !
ચઢશું આ આખી ઘટમાળ રે હો જી

– રમણલાલ વ દેસાઈ

સ્વર : ઉદય મજુમદાર