અમે જોગી બધા વરવા શ્મશાનો  ઢૂંઢનારાઓ,
તહીંના  ભૂતને  ગાઈ   જગાવી   ખેલનારાઓ.

જહાં  જેને  ક રી  મુર્દુ  કબરમાં  મોકલી   દેતી,
અમે  એ   કાનમાં  જાદૂ   અમારૂં   ફૂંકનારાઓ.

જહાંથી જે થયું બાતલ અહીં તે છે થયું શામિલ;
અમે  આ  ખાકની  મૂ ઠી ભરી  રાજી થનારાઓ.

જહીં જખમો તહીં બોસા તણો મરહમ  હમે દેતા,
બધાંના  ઈશ્કનાં  દર્દો  બધાંએ   વહોરનારાઓ.

અમે  જાહેરખબરો  સૌ  જિગરની છે લખી નાખી,
ન  વાંચે  કોઈ  યા વાંચે,ન પરવા રાખનારાઓ.

બની  ઉસ્તાદ  આવો  તો  થશો આહીં તમે ચેલા,
મગર  મુરશિદ  કરો  તો તો હમે ચેલા થનારાઓ.

અમારાં  આંસુથી  આંસુ  મિલાવો,આપશું ચાવી,
પછી  ખંજર  ભલે   દેતાં, નહીં  ગણકારનારાઓ.

– કલાપી

 

 

એક સલુણી સાંજ તેં આપી હતી;
રાતભર એ સ્વપ્નામાં વ્યાપી હતી

વૃક્ષ કાપ્યાનો ગુનો લાગુ પડયો;
મેં ફકત એક ડાળખી કાપી હતી.

શ્બ્દોએ ચાડી કરી મુજ નામની;
મેં વગર નામે ગઝલ છાપી હતી.

એટલે ગૂંજે છે એ મૃત્યું પછી;
સૂરમાં હસ્તીને આલાપી હતી.

રાજ મારગ પામતા પહેલાં અમે;
કેટલી પગદંડીઓ માપી હતી.

‘બાલુ’ પૂજામાં નહીં માને છતાં;
દિલમાં તારી મૂર્તિ સ્થાપી હતી.

– બાલુભાઈ પટેલ

 

બે’ક ત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે,
આંખ સમે ભીંત જેવા કેટલા જણ સંભવે ?

હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી,
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?

પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે

– સંદીપ ભાટીયા

 

સાવ   જૂઠું   જગત   કોઈ    તારું   નથી,
મૂક   સઘળી   મમત   કોઈ   તારું  નથી.

કોણ  કોનું ?   અને   એય    તારું   નથી,
છે   બધું   મનઘડત   કોઈ   તારું  નથી.

જે     પળે   જાણશે     સોંસરો  સળગશે,
આ   બધી   છે  રમત   કોઈ  તારું નથી

કોઈ   ઉંબર  સુધી   કોઈ  પાદર   સુધી,
છેક   સુધી   સતત   કોઈ   તારું   નથી.

કઈ  રીતે  હું  મનાવું  તને  બોલ   મન,
બોલ,  લાગી    શરત  કોઈ  તારું  નથી.

કોઈ એકાદ જણ, અએય બેચાર પળ કે
અહીં    હરવખત    કોઈ    તારું   નથી.

– રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘

 

 

શ્વાસ   લીધો નહીં હવામાંથી,
હું  વિખૂટો  પડ્યો બધામાંથી.

બારીએથી  મેં વિશ્વ  જોયું છે,
ઓસરી   જોઈ  બારણામાંથી.

કંઈ અકસ્માત  જેમ બનવાનું,
કંઈ નહીં  થાય  શક્યતામાંથી 

આભમાંથી  જે પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે  તિમિર ઘરામાંથી.

એક  સુખ  નીક્ળ્યું  કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી

                – ભરત વિંઝુડા

 

 

    તું પવન છે

     તું જ વન છે

      આવ મારા રોમ પર્ણે

       રેશમી ઝાકળનું વન છે

       સ્વપ્ન હાથોહાથ તે આપ્યું હતું એ

       એક દંડિયા મહેલનું કેદી ગગન છે

          સાવ છેલ્લા શ્વાસને સ્પર્શી પૂછું છું હું તને કે –

          તું પવન છે કે પીડાના દૈત્યનું પુનરાગમન છે

            ઊંઘરેટા – ઝંખના ઘેલાં પ્રલાપો આંખમાં ઝુર્યા કરે છે

            કોઈ પરદેશી નિશાચર સ્વપ્ન થઈને આવશે એવું વચન છે.

 – જયેન્દ્ર શેખડીવાલા