હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી
Sep 29
ગઝલ Comments Off on હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી
હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.
આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.
અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.
મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.
બનારસ ના ઘાટે હું ઊભો રહીને નિહાળું છું મારી ચિતા નો ધુમાડો
વહેતુ ગંગામાં મારી કવિતાના કાગળ જાણે ગઝલ મહેંદી હસન
-ભગવતીકુમાર શર્મા
સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ