હરદમ તને જ યાદ કરું
Jan 16
ગઝલ Comments Off on હરદમ તને જ યાદ કરું
[wonderplugin_audio id=”236″]
હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.
કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.
રાખો નિગાહ ‘શૂન્ય’ના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઈ પણ રૂપે ખુદા મળે.
– ‘શૂન્ય’ પાલનપુરી
સ્વરઃ ધનાશ્રી પંડિત