હોડીને દૂર શું? નજીક શું?
Jun 28
ગીત Comments Off on હોડીને દૂર શું? નજીક શું?
[wonderplugin_audio id=”287″]
છોને છોડે એ ભૂમિના કિનારા
ને શહેરના મિનારા
કે હોડીને દૂર શું? નજીક શું?
એક વાર સઢ ભર્યા ફૂલ્યાં
ને વાયરા ખૂલ્યાં
કે હોડીને દૂર શું? નજીક શું?
સામે આભના તે આગળા ખૂલે
ને પંથ નવા ઝૂલે
કે હોડીને દૂર શું? નજીક શું?
તેના પહોળા પાલવ દૂર ફરકે
ને ઝીણું ઝીણું મરકે
કે હોડીને દૂર શું? નજીક શું?
કદી કુદી દે તારલીને તાલી
હસંત મતવાલી
કે હોડીને દૂર શું? નજીક શું?
કદી ઝંઝાને વીંજણે રમંતી
તૂફાને ભમંતી
કે હોડીને દૂર શું? નજીક શું?
એ તો સરખાં-સમોવડાંને ભેટે
ત્રિકાળને ત્રિભેટે
કે હોડીને દૂર શું? નજીક શું?
આજ બીજકલા દેખીને ઊપડી
પૂનમ એની ઢૂકડી
કે હોડીને દૂર શું? નજીક શું?
એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું,
બાકી ન કાંઈ રાખ્યું
કે હોડીને દૂર શું? નજીક શું?
છોને છોડે એ શહેરના મિનારા
ને ભૂમિના કિનારા
કે હોડીને દૂર શું? નજીક શું?
– ઉમાશંકર જોશી
સ્વરઃ હરિહરન
સંગીતઃ અજિત શેઠ