આંખની સામે આવી ઊભી છોકરી ભીને વાન
ઉઘડી જાણે ઉષા રાણી ગાતી મીઠા ગાન

રાગ ભૂપાલી ઓઢણી એની
સરગમ જેવી કાય
પીલું ,કાફી ફરતે ફરતા
હોરા બની લહેરાય
રંગ ઉડે છે અંગથી એનાં આંખ બની રસખાણ

ઋતુ વાસંતી પગલાં ચૂમે
ફૂલ પસીને નહાય
ઝાકળ જેવી ઝાંઝરી એની
ફાગ બની ફોરાય
સ્વર સૂરીલા, લય લચકતા, એમાં ઉમેરી તાન

બાગ-બગીચા રાહ જૂએ છે
એની બારે માસ
વાડી વઝીફા નીચાં નયને
ઘૂમતા રહે ચોપાસ
કોણ હશે એ જેને નસીબે જયજયવંતી જાન ?

– ગુણવંત ઉપાધ્યાય

સ્વર : ડો ભરત પટેલ

સ્વરાંકન : ડો ભરત પટેલ