ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ઝીલે ન છાયા એ દલદલ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ચાલુ હું તમને સથવારે
બાંધેલી લયના અણસારે
તાલ ચૂકી ને તૂટી પડેલું
ગીત ગંગાનું હું આભૂષણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

જ્યોતિ જેમ જલું અંધારે
અજવાળે અટવાવું મારે
તેજ તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું
ગુરુ ચરણોની હું રજકણ છુ.

દુનિયા એક અધૂરું સપનું
ધન તો ચાર દિવસના ખપનું
ઘરથી ઘાટ સુધીના પંથે
પલ બે પલનું આકષઁણ છું.
ગુરુ ચરણોની હું રજકણ છું.

– કાંતિ અશોક