હરી પર અમથું અમથું હેત,

હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગત લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.

‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.

– રમેશ પારેખ

સ્વર : સુરેશ જોશી

સ્વરકાર : સુરેશ જોશી