ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી
Nov 25
ગઝલ Comments Off on ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી
[wonderplugin_audio id=”355″]
ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું?
રાતભરનો થાક લઈ પાછી. વળી, મેં સાંભળ્યું.
આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.
ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.
છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.
સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તે સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.
આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.
આપણું મળવું ગઝલ કહેવાય છે, તે સાંભળ્યું?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું
– વિનોદ જોશી
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ