વ્હાલ કરે તે વ્હાલું
આ મેળામાં ભૂલો પડયો હું કોની આંગળી ઝાલું ?

ફુગ્ગા ને ફરફરિયાં જોઉં, જોઉં લેણાદેણી
કોઈક વેચે વાચા, કોઈક વ્હોરે ફૂલની વેણી

કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પાલું…

ક્યાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું-શું અચરજ, કરે કાળના જાદુગરનો ડબ્બો !

સૌ-સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું…

કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી

શું લઈશ તું ? – પૂછે મને આ મારું ગજવું ઠાલું…!

– રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન : અમર ભટ્ટ