સખી મારા આંસુના સાથિયે બેસીને કાગડો બોલ્યા કરે રે લોલ
ફળિયે લીલીછમ નાગરવેલ્ય કે ઝરઝર કંકુ ઝરે રે લોલ.

કંકુ નીતરે રેલમછેલ કે શેરીયું રાતી રાતી રે લોલ,
સખી મને આવું તે આવડ્યું ક્યાંથી કે નીસરું ગાતી ગાતી રે લોલ

સખી મારી રાતે હથેળિયું વચ્ચે પાતળોક રેલો પડ્યો રે લોલ
ગામલોક ટોળે વળીને કાંઈ પૂછે કે દરિયો ક્યાંથી જડ્યો રે લોલ

સખી હું તો જઈ મા’દેવને પારે ચપટીક છાંયો મેલું રે લોલ,
કે દેવતા મારે તે ફળિયે મો’રી છે છાંયડી પ્હેલુંવ્હેલું રે લોલ

– રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન : અમર ભટ્ટ