આપણાં જ જીવતરની આપણી જ વારતામાં
આપણે જ રાજા અને રાણી.
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીયે તો
થઇ જાતી પરીની કહાણી.

પરીઓના દેશનું નામ સ્વપ્નનગરી
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છાના નામ ધરી પસ્તાયા એવાં
કે સૂકવવા જઇ બેઠાં તાપણે
સમજણના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઊજાણી.

હોળી હલેસાં ને પાણીનું રણ
અને ડમરી સમ હિલ્લોળે એના લ્હેરે
લથબથતા ભીંજાતાં નખશિખ ફૂંક
હવે શમણેરી વેશ જુઓ પહેરે
હાંફતાં હરણ સમા કિનારે પહોંચ્યા
ત્યાં આવી તું અંકમાં સમાણી.

– ગૌરવ ધ્રુવ,

સ્વર : આસિત દેસાઇ. હેમા દેસાઇ