એવુંય   ખેલ    ખેલમાં    ખેલી    જવાય  છે,
હોતી નથી   હવા   અને   ફેલી   જવાય   છે.

ઊંઘી જવાય છે   કદી  આમ   જ   ટહેલતાં,
ક્યારેક     ઊંઘમાંય    ટહેલી     જવાય   છે.

આવી  ગયો  છું  હું  ય  ગળે   દોસ્તી   થકી,
લંબાવે   કોઈ હાથ   તો   ઠેલી   જવાય   છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો   કરું  છું  બંધ,  બહેલી   જવાય  છે

મળતી રહે  સહાય   નશીલી  નજરની  તો,
આંટીઘૂંટી    સફરની   ઉકેલી    જવાય  છે

લાગે  છે  થાક   એવો   કે   ક્યારેક   વાટમાં
સમજી હવાને  ભીંત   અઢેલી    જવાય   છે.

ઘાયલ ભર્યો છે  એટલો   પૂરો   કરો   પ્રથમ,
અહીંયાં  અધૂરો  જામ ના   મેલી  જવાય છે.

– અમૃત ઘાયલ

સ્વર : દીપ્તિ દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ