રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે
સાચ-જૂઠને ચાવી-ચાવી લ્હાવો લે છે

દંતકથામાંથી એક દોરો ખેંચી કાઢી
અફવાઓ આભે ચગાવી લ્હાવો લે છે

ભલે સત્યના સ્વામી એ કહેવડાવે કિંતુ
હકીકતોને હચમચાવી લ્હાવો લે છે

પરમ પ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
ઝરણાનું ટેટું ચીપકાવી લ્હાવો લે છે

ઊડી ગયેલા પોપટ સાથે વેર વાળવા
સિતાબાઇ પીંજર પઢાવી લ્હાવો લે છે

સમજીને પોતાને સમકક્ષ મીર-ગાલિબના
વાતે-વાતે નામ વટાવી લ્હાવો લે છે

સો ટચનો કોઇ શબ્દ પારખી તું પણ લઇ જો
જ્યમ તાળું ખુલ્યાનો ચાવી લ્હાવો લે છે

  • સંજુ વાળા