મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

– નીનુ મજમુદાર

સ્વર : સાવની દિવેટિયા
સ્વરાંકન : નીનુ મજમુદાર