અહો     શ્વાસ     મધ્યે   વસંતો   મહોરી,
ઊડે    રંગ   ઊડે   ન   ક્ષણ   એક  કોરી!

ઊડે    દૂરતા   ને   ઊડે    આ    નિકટતા,
અહીં  દૂર   ભાસે,   ત્યહીં  સાવ   ઓરી!

ઊડે આખ્ખું    હોવું    મુઠીભર   ગુલાલે,
ભીંજે પાઘ મોરી,   ભીંજે   ચુનરી  તોરી!

ઊડે છોળ   કેસરભરી    સર  સરર. સર,
ભીંજાતી    ભીંજવતી.   ચિરંતનકિશોરી!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ     ગાઈયેં,    ખેલિયેં ફાગ,   હોરી!

– રાજેન્દ્ર શુક્લ

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ