ચાલને,   માણસમાં  થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ   થઈ   વેલા   ટકાવી   જોઈએ.

બસ   બને તો   એક  દીકરાને મનાવી જોઈએ,
એ રીતે   ઘરડાંઘરો   ખાલી   કરાવી   જોઈએ.

કેવી   રીતે જળ  અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી  દીકરી ઘરથી   વળાવી   જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ,  દોસ્ત,
એકબીજાના   ખભે   એને  ચલાવી   જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં  હરાવી   જોઈએ.

– ગૌરાંગ ઠાકર

સ્વર : વિભુ જોષી
સ્વરાંકન : વિભુ જોષી