હું  જ  બેસું સોમનાથે    હું   જ     દ્વારિકાય  છું ,
હું    તળેટીથી   લઇને   ટોચ   પર    ગિરનાર  છું,
હું સ્વયમ ગુજરાત છું..

તું  લઇ   કેદાર   પાછો   આવ    જૂનાગઢ   મહીં,
ઝૂલણા  છંદે  હજી  ગાતો  મળે  નરસિંહ   અહીં ,

હું  જ  છું  કરતાલ એની  હું  જ   એનો નાદ   છું ,
હું સ્વયમ ગુજરાત છું.

પોરબંદરના  કિનારે  એક   ગાંધી   જન્મ લે    છે,
ને પછી  સાબરમતીના  સંતનો  એ   પંથ  લે   છે,

હું જ  છું  કરુણા, અહિંસા હું જ એનું સત્ય  છું,
હું સ્વયમ ગુજરાત છું.

જે બની  ઓળખ  ઉભી એ આ ધરા  છે રાષ્ટ્રની,
તું  તિલક  કરજે  પ્રથમ લઇ  ધૂળ આ સૌરાષ્ટ્રની,

હું જ છું  ખાંભી હમીરની વીરતા પણ  હું  જ  છું ,
હું સ્વયમ ગુજરાત છું

નર્મદાનું   નીર   વહેતું   ને   વહે   તાપી  ય  પણ ,
ક્યાંક જેસલને મળે તોરલ હજી આજે ય   પણ ,

હું જ છું શ્રદ્ધા એ જળની હું જ રણનો તાપ  છું,
હું સ્વયમ ગુજરાત છું.

– તેજસ દવે

Sharing is caring!