નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
Jun 27
ગઝલ Comments Off on નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
[wonderplugin_audio id=”448″]
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…
હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…
‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…
– ‘ગની’ દહીંવાળા
સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ