મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ..
ગાજ નહિ,વીજ નહિ..
પુનમ કે બીજ નહિ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

ઘર માં થી ઉંબરા ની મર્માળી ઠેસ..
છતાં ચાલી હું મીણ જેમ પીગળી..
માજમ ની રાતે આ મન એવું મુંઝાણું..
જાણે કે વીંટળાતી વિજળી..
કોને ખબર છે કે ગામ આખું કોરૂં..
પણ ડુબ્યાં આ મેડી ને માઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

દરિયા ના મોજા તો માપી શકાય..
અરે ફળિયા ની ફાળ કેમ માપવી..
સોળ સોળ ચોમાસા સંઘરેલી છત્રી ને..
શેરી માં કોને જઇ આપવી..
રૂદિયા માં ફુવારા ફુટે છે જાણે કે..
પીલાતો શેરડી નો વાઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ…

  • દાન વાધેલા

સ્વર : હિમાલી વ્યાસ

સ્વરાંકન : આલાપ દેસાઈ