આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું

ઝખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યુ
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીતાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડયા એવા
અહલ્યાની જેમ મારી ઈચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી

-મનોજ ખંડેરિયા

સ્વર : રાજેન્દ્ર ઝવેરી

સ્વરાંકન : રાજેન્દ્ર ઝવેરી