પાનને તાલી દઈ પાછી વળેલી ચાંદની
વૃક્ષ નીચે થરથરે નીચે ઢળેલી ચાંદની

ઠેક ઝરણાની લહર પરથી લહર પર મારતી
ખળખળાટોથી હરણ પેઠે છળેલી ચાંદની

પોયણી એ વાત પર સંમત હજુ થાતી નથી
આ અમાસી અંધકારો છે બળેલી ચાંદની

વૃક્ષમાં ઝૂલતા પવન સાથે કરે છે કાળક્ષય
કોઈને મળવા સમયસર નીકળેલી ચાંદની

ભાંગતી રાતે દીવાલો ધીરે ધીરે પી ગઈ
સૂના ઊંબર આજુબાજુ પીગળેલી ચાંદની

-રમેશ પારેખ

સ્વર : પ્રથા ખાંડેકર