મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
Mar 16
ગીત Comments Off on મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
[wonderplugin_audio id=”626″]
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
-રમેશ પારેખ
સ્વર : આશિત દેસાઈ, હેમા દેસાઈ