તું કૌરવ, તું પાંડવ :મનવા !તું રાવણ, તું રામ !
હૈયાના આ કુરૂક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !

કદી હાર કે જીત : કદી તું તારાથી ભયભીત;
કદીક પ્રકટે સાવ અચિંતુ સંવાદી સંગીત,

ભીષણ તું તાંડવમાં : મંજુલ લાસ્ય મહીં અભિરામ ;
તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ, તું રામ !

ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ ;
તું તારૂં છે બંધન, મનવા ! તું તારું નિર્વાણ !

તું તારો શત્રુ ને બાંધવ : તું ઉજ્જવલ : તું શ્યામ !
તું કૌરવ, તું પાંડવ : તું રાવણ, તું રામ !

-અવિનાશ વ્યાસ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય