આંગણામાં તુલસીના સાત સાત છોડ
એને પાંચ પાંચ આંગળીએ પૂજ્યા,
કે આજ મારા કોડિયામાં, સૂરજદેવ ઊગ્યા.

મટોડીશી લાગણીએ ફળિયું લીપ્યું
ને મોભને તો શગથી શણગાર્યા,
ખાલીખમ ગોખલામાં ભરિયા ઉમંગ,
ભીતે અવસરના ચાકળા બાંધ્યા.

ખૂણે છૂપાઈને ડોકાતા રોજ,
ઈ આંસુને હળવેથી લૂછ્યા
કે આજ મારા કોડિયામાં, સૂરજદેવ ઊગ્યા.

અંધારા જીરવતા ઉંબરને આજ
તેજના તે ઘૂંટ હવે પાયા,
ઘરના ખૂણામાં ચાર દિશાઓ મ્હોરી
ને તુલસીના પાન હરખાયાં.

સોનેરા આભની કિનખાબી કોર લૈ.
ભવના તિમિર બધા ભૂંસ્યા.
કે આજ મારા કોડિયામાં, સૂરજદેવ ઊગ્યા.

-નીતિન વી મહેતા

સ્વર : શેખર સેન
સ્વરાંકન : શેખર સેન