રાધા બની વિરહ વ્યાકુળ!
શ્યામ! શ્યામ! કહી ઢુંઢે ગોરી,
ગલી ગલી ગોકુલ,
રાધા બની વિરહ વ્યાકુળ…

ચંચલ લહેરો જમુનાની ઓ,
વનરાવનનો વાયુ,
સાંવરિયાને જઈ કહેજો કે,
અંતર લાગી લાયું;
બાંધી તુજથી પ્રીત, શું કાના!

એ જ હતી એક ભૂલ?
રાધા બની વિરહ વ્યાકુળ…

મોહન, તારી મુરલી વિણ એક
બની બાંવરી ગોપી,
ભાન ભૂલીને ભમતી ઘર ઘર
લોકલાજ છે લોપી;

કંઈ છલકે ઉરનાં ગોરસ એનાં
કોણ ચૂકવશે મૂલ?
રાધા બની વિરહ વ્યાકુળ

-જયંત પલાણ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય