ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ ખેડૂતને પ્યારો નથી હોતો

તમારા ગર્વની સામે અમારી. નમ્રતા કેવી
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ
બળીને ભસ્મ થાનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો – ચાલ્યા કરો બસ એ જ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો

જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો

ચમકતાં આંસુનો જલતા જીગરનો સાથ મળવાનો
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો

ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો

ફકત દુ:ખ એ જ છે એનું – તરસ છીપી નથી શકતી
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો

-શેખાદમ આબુવાલા

સ્વર : જયેશ નાયક અને સીમા ત્રિવેદી