અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી ધોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર;
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ- આગળા,
ભરો લખ લખ અદીઠા, અંબાર;
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ – ખાધું ઇંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર;
આવો, રે આવો હો જીવણ, આમના.


-મકરંદ દવે

સ્વર : હ્રદય મર્ચન્ટ
સ્વરાંકન : અજિત શેઠ