મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

– સુરેશ દલાલ

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ