બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના ,લાડકી બ્હેના

ઘરમાં તારાં ટહુકા બ્હેના
ઉંબરે પગલાં તારાં
દિવાલે તારાં કંકુ થાપા
આંખમાં સ્મરણો આંજ્યા
સાદ દઉં ત્યાં મુખડું મલકે
યાદમાં છલકે નૈના
બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના, લાડકી બ્હેના

રાખડી કેરા દોરે ગૂંથાઇ
બાળપણાની યાદ
ભાઈને તારા ભીંજવે , બ્હેની
વ્હાલ તણો વરસાદ
બ્હેના, તારા હેતની સોહે
રાખડી મારે હાથ
સુખમાં દુખમાં , બ્હેન, આ તારો
ભાઇ હશે સંગાથ
સાદ દઉં ત્યાં મુંખડું મલકે
યાદમાં છલકે નૈના
બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના , લાડકી બ્હેના

ખારા રણમાં મીઠા જળની વીરડી
બ્હેના, તું
બ્હેન નથી એનાં આંસુ બોલતાં
બ્હેની એટલે શું
રાખડી બાંધી મીઠડાં લેતી
હેતથી ભીના નેન
હાથ જોડી હરિ માંગતો એટલું
રાજી રહે મારી બ્હેન
સાદ કરું ત્યાં મુખડું મલકે,
યાદમાં છલકે નૈના
બ્હેના, મારી બ્હેના,
મારી બ્હેના , લાડકી બ્હેના

– તુષાર શુક્લ

સ્વર : ડો પાર્થ ઓઝા
સ્વરાંકન : નિશીથ મહેતા

ગીતનું Video જોવા click કરો :