રક્ષા શુક્લ

વ્હાલપનું વાદળ વરસે ને તારાનું ટમટમતું અચરજ
ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

નરસીં જાણે ધૂવ તારક ને મીરાંબાઈ છે મીનપિયાસી,
પાઘડિયુંના વળની વચ્ચે શોભી ઊઠે ગુર્જરવાસી.
કૃષ્ણ-સુદામો કરે ગોઠડી, લળી લળી ઝાંખે સૌ દાસી.
મા ગુર્જરથી થાકું તો ખોળો પાથરતી હિન્દી માસી.

ત્રિલોક થંભે, ખમીર છલકે, ડણકું દે જ્યાં ગીરમાં સાવજ,
ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

રેતીના દરિયા વચ્ચે એ હાથ-હલેસાં લઈ તરવાનો,
ગુજરાતી મીઠ્ઠી બાની બોલે એવી જાણે પરવાનો.
‘હું જ પુરાતન, હું જ સત્ય’ કહી ઊજળા એ શ્વાસો ભરવાનો,
દરિયાદિલ ગરવો ગુજરાતી રુદિયામાં આસન ધરવાનો.

વણજ અને વેપારે છે ગુજરાત મોખરે, સૌમાં દિગ્ગજ.
ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

-રક્ષા શુક્લ

સ્વરઃ ડો ફાલ્ગુની શશાંક
સ્વરાંકન : ડો ફાલ્ગુની શશાંક
સંકલન : હરદ્વાર ગોસ્વામી