ભાવિન ગોપાણી

 

ફળિયામાં આજે મ્હેંકતી ભીની  હવા વહેતી   નથી
પાડોશવાળી    છોકરી   શું  હિચકે   બેઠી   નથી ?

તો  શું  થયું  મારી  તરફ  જોયું   નથી   એણે   કદી
એવા ઘણા છે ગામ  જ્યાં  ટ્રેનો  ઉભી  રહેતી  નથી

વરસો  પછી  મળતાં  જ  એ  ભેટી  પડી જે રીતથી
લાગ્યું  મને   વરસો  સુધી  એ   કોઈને   ભેટી  નથી

ઓઢી  હતી  તે  શાલ  મારી  શું  તને  એ  યાદ  છે
એ   શાલ  ને  એ   યાદ  મેં   આજેય  સંકેલી  નથી

તારી જ માફક આગમન એનુંય પણ જાણી શકાય
તારા  વિચારે  કેમ પગમાં  ઝાંઝરી   પ્હેરી    નથી

-ભાવિન ગોપાણી

પઠન : ભાવિન ગોપાણી