શબરીએ બોર – ગાર્ગી વોરા
Sep 30
ગીત Comments Off on શબરીએ બોર – ગાર્ગી વોરા
[wonderplugin_audio id=”979″]
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે તો રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,
અંદરથી ચાખ્યા’તા રામને.
શબરીએ બોર……..
બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા
જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે,
આંગળીથી બોર એણે ચૂંટયા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને
શબરીએ બોર…….
રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે?
રામરામ રાત દિ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?
હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર….
-વિશનજી નાગડા
સ્વર :ગાર્ગી વોરા
સ્વરાંકન :પુરૂષોત્તમ ઉપાધ્યાય