ગાંધીગીત

સૂતરની આંટીથી ઉઠેલી આંધીના અવશેષો આમતેમ ઊડે
ગાંધીની ગોફણથી છૂટેલાં ફૂલોની મહેક હજુ વાયુમાં ઝૂલે !

ચંપાનાં છોડ સમું ચંપારણ ધામ ગળી વાદળિયાં આભ લગી પહોંચી;
દાંડીનો દરિયો યે મીઠાશે ન્હાયો’તો તેથી છે આંખ એની ભીની;
પોતડિયાં પોત મઢી ઢાળેલી નજરોથી વાણીની સરવાણી ફૂટે !

શ્રદ્ધાની લાકડી ને ખાદીનું ઉપરણું ઝળહળતાં સાચ ભણી દ્રુષ્ટિ
પૂરવ કે પશ્વિમ હો; ઉત્તર કે દક્ષિણ હો; સચરાચર જાણી’તી સ્રુષ્ટિ
ગામ- ગામ; ગલી- ગલી; કણકણમાં પ્રગટેલું હીર હજી આમતેમ ઘૂમે !

સુદામે પાળ્યાં વાર્- વરતેલાં આકરાં એમ એણે પાળ્યું’તું મૌન;
ઉપવાસી કાયાથી ટાળી દરિદ્રતા આજ એને ઓળખતું કોણ ?
બીજી ને બારશનાં રેંટિયાની ધૂળ પૂછે : આઝાદી આવી ક્યા મૂલે ?!

-ગુણવંત ઉપાધ્યાય

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ