તે છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભાઊભ મેં આખી નદી પીધી હતી.

પાંદડા ભેગાં કરીને જેમ દરજીડો સીવે,
એમ મેં તૂટી ગયેલી કૈંક ક્ષણ સીવી હતી.

આભ આખું એકદમ તૂટી પડ્યું તો શું થયું?
વેદના વરસાદની માફક અમે ઝીલી હતી.

ટ્રેન ઊભી હોય શબવત્ રાહમાં સંકેતની,
જિંદગી આખીય મારી એ રીતે વીતી હતી

ત્યારથી હું હર સમય મારા નશામાં હોઉં છું,
શૂન્યતાની એક પ્યાલી એમણે દીધી હતી.

-હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

Sharing is caring!