એ જ બગીચો,એ જ છે માળી, એ જ ઉષા-સંધ્યાની લાલી,

કૈફ છલોછલ પુષ્પની પ્યાલી, કોયલ બુલબુલ ડાલી ડાલી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ બહારો બાગની અંદર, પ્રેમનાં જાદુ, રૂપનાં મંતર,

એ જ પતંગા દીપના ઉપર, એ જ કમળ છે, એ જ મધુકર,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ ફુવારો ને ફુલવારી, રંગબેરંગી પ્યારી પ્યારી,

મખમલ સમ આ ઘાસ પથારી, જે પર દિલની દુનિયા વારી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ હજી છે ચૂઈ ચમેલી, આગિયાઓની જ્યોત જડેલી,

આંબાડાળે જુઓ પેલી, એ જ ચકોરી ચંદા ઘેલી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

ચાંદ સિતારા એ જ ગગનમાં, મસ્તી એની એ જ પવનમાં,

તાપી પણ છે એ જ વહનમાં, એ જ ઉમંગો મારા મનમાં,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

વડ પર બંને નામ હજી છે, થડ પર કોતરકામ હજી છે,

બે મનનો સુખધામ હજી છે, સામે મારું ગામ હજી છે,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ છે રોનક તાપી તટ પર, એ જ છે સામે લીલાં ખેતર,

વર્ષાની ઝરમરમાં મનહર, દૂર જ સંતા મસ્જીદ મન્દર,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

આસીમ આજે રાણી-બાગે, ઊર્મિને કાં ઠેસ ન વાગે ?

મસ્ત પવનમાં પુષ્પ પરાગે, કેમ મને વૈરાગ ન જાગે ?

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.

– અસીમ રાંદેરી

સ્વર : મનહર ઉધાસ