ઢળી સાંજ ને આજ ઊતરી છે રાત…
Feb 15
ઢળી સાંજ ને આજ ઊતરી છે રાત
છે કોફી ને ઝૂલો , નથી કોઇ પાસ
અંધારું બેઠું છે સામે ઉદાસ
છે હૈયામાં સ્મરણોનો આછો ઉજાસ
ન મ્હેકી ચમેલી, ન જૂઇ , ન જાઇ
સુગંધોય આજે ગઇ છે લપાઇ
/ સંભળાતી નથી લગ્ન કેરી શરણાઇ
મારે તનેકહેવી છે દિલની સચ્ચાઇ
આ સૂની ગલી સૂતી પીળા પ્રકાશે
દીસે સઘળું ઝાંખુ એ આછા ઉજાસે
આ આંસુ ને આંખોનો સંવાદ ચાલે
ફરી આજ તારી મને યાદ આવે
સ્હેજે નહીં થવા દઉં હવે આજ મોડું
નક્કી કર્યું છે કે ફોન તને જોડું.
આવે છે મને માત્ર તારા વિચાર
કહેવાં છે મારે તને શબ્દો બસ ચાર
જાણે છે , મારે તને કહેવું છે શું ?
કહેવું છે , હેલો ! તને ચાહું છું હું
ન પૂનમ શરદની , ન ઋતુ પાનખરની
ન મહેકે બગીચા, નથી હૂંફ ઘરની
ન રંગો, પતંગો , ઉમંગો ન કોઇ
ન ગરબો ઘૂમે , ઢોલ છેડે ન ઢોલી
ન મેળા, ન પાવા,ન ચગડોળ ઘૂમે
ન રાસે રમે કોઇ , મસ્તીમાં ઝૂમે
કશુંયે નવું નહીં, નથી કોઇ કારણ
તો આંસુ આ આવ્યાં હશે શું અકારણ ?
સમય જાય સરતો, અને ઝૂલે ઝૂલો
મને યાદ આવે , કરી જે મેં ભૂલો
સ્હેજે નહીં થવા દઉં હવે આજ મોડું
નક્કી કર્યું છે કે ફોન તને જોડું.
આવે છે મને માત્ર તારા વિચાર
કહેવાં છે મારે તને શબ્દો બસ ચાર
જાણે છે , મારે તને કહેવું છે શું ?
કહેવું છે , હેલો ! તને ચાહું છું હું
-તુષાર શુક્લ
સ્વરઃ સોલી કાપડીયા
સ્વરાંકન : સોલી કાપડીયા
( આ ગીત લખાયું ને ગવાયું એમાં થોડાક શાબ્દિક ફેરફાર છે. )
મારે કંઈક કહેવું છે