ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા

મ્હેક મ્હેકના થળ થળ થાનક, ઊઘડ્યા સૂરના પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી, હલક ભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરા, ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ મથુરા !
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં

જાત ભૂલીને નીકળ્યા પોતે, કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે મીરાં ?

-મનોહર ત્રિવેદી

સ્વરઃ નિધી ધોળકિયા
સ્વરાંકન : ડો. ભરત પટેલ