હું તો કરતો રહું રે અરજી
હું તો કરતો રહું રે અરજી તારે કરવું જે તારી મરજી
સુખ દુ:ખની ઘડી તે સરજી..

સુખ અને દુઃખ એ તો કરણીના ફળ છે.
સમજે તો સાવ સીધુ નહી તો સાવ અકળ છે
કાળ માથે રહયો છે ગરજી..

મારું ધાર્યું થાતું એમાં લાગે મારું સુખ છે.
તારું ધાર્યું થાતું એમાં શાને લાગે દુ:ખ છે
કરજે માફ તું છોરું સમજી..

માંગણને મોહ છે કંઈ મળવાનો લોભ છે
સ્વાર્થ તણો અંધાપો લોભ ને ક્યાં થોભ છે
કરતો કાલાવાલા ને આજીજી

સુખ પછી દુ:ખ છે દુ:ખ પછી સુખ છે
સુખ દુ:ખ એક છે જે તારી હરી સનમુખ છે
એને હોય નહી કોઈ ડરજી…

નૈયા સોંપી છે તારે કરજી
તારે કરવું જે તારી મરજી
આ દુ:ખની ઘડી તે સરજી..

-તુષાર શુક્લ

સ્વર : અનુપ જલોટા, નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી