નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ,
અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સંજીવન-મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો.

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની માંહે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે.

-નરસિંહ મહેતા

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ

Cortesy : Megha Hitesh kumar OZA, Mumbai