દરિયામાં હોય એને મોતી કહેવાય
તો આંખોમાં હોય તેને શું ?
અમે પૂછ્યું, લે બોલ હવે તું .…

પંખી વછોઈ કોઈ એકલી જગાને
તમે માળો કહેશો કે બખોલ ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ
ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે
ઝાડવામાં ઊગી છું હું ?
અમે પૂછયું, લે બોલ હવે તું ..

ઊચી ઘોડી ને એનો ઊંચો અસવાર
એના મારગ મોટા કે કોલ મોટા ?
દરિયા તરવાની હોડ માંડે તો દરિયાનું
પાણી જીતે કે પરપોટા ?
સૂરજ ન હોય તેવી રીતે ઝિંકાય છે એ
તડકાઓ હોય છે કે લૂ ?
અમે પૂછયું, લે બોલ હવે તું …

-રમેશ પારેખ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા