ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં ઊઘડે તારા નેણ
ઓરની વેળા ઓસરી વાલમ વીળના આવ્યા વ્હેણ..

માણીએ રે ના ઘર બે ઘડી
બ્હારને બોલે મેલતો હડી
મેલતો મને એકલ છડી

આઠમ કેરા ઓરતા મારે દવલી પૂનમ રેણ
ઓરની વેળા ઓસરી વાલમ વીળના આવ્યા વહેણ…
ડોલતી કેવી સફર ટાણે અધીર તારી નાવ
વીજળી જેવી વેગ તેજીલી પેંગડે મેલ્યો પાવ….

બળિયા કાળી નાગને નાથે
રમતો હજાર ફેણને માથે
શામળો મારો કોઈ ન સાથે

દરિયો ડો’લી વળતે દિને વાલમ વહેલો આવ
ડોલતી જોને સફર ટાણે અધીર તારી નાવ
એકલનો સંસાર સૂનો એકલને શું કાજ
હીરની ભરું કામળી તારે કારણ સવાર-સાંજ…

આણજે મોતી ચાર-છ કુડી
આણજે મોંઘા દાંતની ચૂડી
આણજે રૂપું રીતનું રૂડી

તીરની તમાલ કુંજમાં વાલમ આપણું નાનું રાજ
હીરની ભરૂં કામળી તારે કારણ સવાર સાંજ

-રાજેન્દ્ર શાહ

સ્વરઃ શ્રુતિ ગાયકવૃંદ