વાંસળીના સૂર જેમ વળગે વરસાદ કા’ન
કેમ કરી રોકાવું રાનમાં
ડગલે ને પગલે એ ઝરમરતો સાદ
લાખ રહું ને ના રહેવાતું માનમાં……

કોઈ કોઈ સાંજે મને ઓછું ઓસાણ
વાત લઈને આવ્યું’તું એક ફોરું
ઝીણી આ વાતમાં ન સૂઝ પડી લેશ
આવી વરસ્યું આકાશ સાવ ઓરું
એક એક લટમાંથી યમુનાની લ્હેર
કા’ન લ્હેરાતો જાય એના વાનમાં……

જાસૂદના ફૂલ જેવી ભડકે વનરાઈ
આભ વરસે ને આગ ઓલવાય નહીં
આલિંગન આપ્યું એનો રંગ ચડયો એવો
અંગ ભીંજાતું’ તોય લેશ જાય નહીં
રટણામાં સાવ ભાન ભૂલીને તોય
લોક કહે છે હું એક એના ધ્યાનમાં……

-હરીન્દ્ર દવે

સ્વરઃ સલાની મુન્સફ
સ્વરાંકન : માલવ દિવેટીઆ