રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો
એને કાંઠે કદમ્બ વૃક્ષ વાવજો
વાદળ વરસે ને બધી ખાર૫ વહી જાય
પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો
આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણના દ્વાર કેમ દેશું ?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વિખરાતાં રેશું
છલકાતું વેણ કદી હોલાતું લાગે તો
વેળુમાં વિરડા ગળાવજો..રોઈ રોઈ…

પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું
અમથું એ સાંભરતું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું
ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો
વનરાવન વાટે વળાવજો
લીલુડાં વાંસ વન વાઢશો ન કોઈ ને
મોરપિંછયું ને ભેળી કરાવજો…રોઇ રોઈ…

-માધવ રામાનુજ

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા